Posted on 29 August 2026 | શ્રેયસ યાદવ | વેપાર

ઘરમાં પાળતુ પ્રાણી રાખવું હવે માત્ર શોખ પૂરતું સીમીત રહ્યું નથી. પેટ ડોગ્સ અને કેટ્સ એ પરિવારનો મહત્વનો હિસ્સો હોય છે. જે રીતે ઘરના સભ્યની વીમા પોલીસી લેવાતી હોય છે એ જ રીતે હવે પેટ ડોગ્સ માટે પણ ઇન્શ્યોરન્સ લઇ શકાય છે.
પેટ્સ બીમાર પડે અથવા કોઈ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય ત્યારે સારવારનો ખર્ચ ઝડપથી વધી શકે છે. સર્જરી, તપાસ, હોસ્પિટલમાં દાખલ કરવાનો ખર્ચ અને લાંબી સારવારનું બિલ અચાનક ખિસ્સા પર મોટો બોજ નાખી શકે છે. આ જ કારણસર ભારતમાં પેટ ઇન્શ્યોરન્સની માંગ વધી રહી છે. પરંતુ પોલિસી ખરીદતી વખતે તેની સાથે જોડાયેલા નિયમો ચેક કરી લેવા જરૂરી છે.
ભારતમાં પાળતુ પ્રાણીઓની સંખ્યા નાણાકીય વર્ષ 2019-20માં 2.85 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2024-25માં 3.92 કરોડ થઈ ગઈ છે. 2029-30 સુધીમાં આ સંખ્યા 6.05 કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. પાળતુ પ્રાણીઓની સંખ્યા વધવાની સાથે તેમના સ્વાસ્થ્ય અને સારવાર પાછળ ખર્ચ કરવાની વૃત્તિ પણ વધી રહી છે. ભારતીય પરિવારો પોતાના પાળતુ પ્રાણીઓની સંભાળ પાછળ અગાઉ કરતાં વધુ ખર્ચ કરી રહ્યા છે.
પેટ ઇન્શ્યોરન્સ પોલિસી હેઠળ મળતું કવર કંપની અને યોજના પ્રમાણે અલગ-અલગ હોઈ શકે છે. સામાન્ય રીતે કેટલીક પોલિસીમાં અકસ્માત, બીમારી અથવા ફ્રેક્ચરને કારણે થતી સર્જરીનો ખર્ચ સામેલ હોઈ શકે છે. કેટલીક યોજનાઓમાં સર્જરી પહેલાં અને પછીના પાત્ર તબીબી ખર્ચ તેમજ પશુ હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ પણ કવર કરવામાં આવે છે. જો તમારું પાળતુ પ્રાણી નિયમિત સારવાર લે છે અથવા વારંવાર પશુ ડૉક્ટર પાસે જવું પડે છે, તો OPD કવર તમારા માટે મહત્વનું બની શકે છે.
પાળતુ પ્રાણીના મૃત્યુ સાથે જોડાયેલા લાભ અને અલગથી OPD કવર પણ કેટલીક યોજનાઓમાં મળી શકે છે. તેથી પોલિસી ખરીદતા પહેલા તેમાં કઈ સારવાર અને કયા ખર્ચને ખરેખર કવર કરવામાં આવે છે તે તપાસવું જરૂરી છે.
વીમા કંપનીઓ પેટ ઇન્શ્યોરન્સમાં ₹10,000થી ₹15 લાખ સુધીની વીમા રકમ ધરાવતા વિકલ્પો આપી રહી છે. પરંતુ વધારે વીમા રકમનો અર્થ દરેક પાળતુ પ્રાણી માટે વધુ સારી પોલિસી એવો નથી. કવર નક્કી કરતી વખતે પાળતુ પ્રાણીની ઉંમર, જાતિ, વજન, જીવનશૈલી અને તેની સંભવિત સ્વાસ્થ્ય જરૂરિયાતોને ધ્યાનમાં લેવી જોઈએ. સાથે એ પણ જોવું જોઈએ કે તમારા વિસ્તારમાં પશુ સારવારનો ખર્ચ કેટલો છે અને મોટી સર્જરી અથવા હોસ્પિટલમાં દાખલ કરવાની સ્થિતિમાં કેટલો ખર્ચ થઈ શકે છે.
પેટ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ માત્ર પસંદ કરેલી વીમા રકમ પર આધારિત હોતું નથી. પાળતુ પ્રાણીનો પ્રકાર, વજન, રહેવાનું સ્થળ, હાલની સ્વાસ્થ્ય સ્થિતિ અને પોલિસીનો સમયગાળો પણ પ્રીમિયમને અસર કરી શકે છે. તેથી 2 અલગ પાળતુ પ્રાણીઓ માટે સમાન વીમા રકમ હોવા છતાં પ્રીમિયમ અલગ હોઈ શકે છે.
પોલિસી ખરીદતી વખતે સર્જરી અને હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ કેટલી હદ સુધી કવર થાય છે તે તપાસવું જરૂરી છે. જો પોલિસીમાં માત્ર કેટલીક ખાસ પ્રક્રિયાઓ સામેલ હોય અને બાકીની સારવાર કવર ન થતી હોય, તો ક્લેમ કરતી વખતે મુશ્કેલી થઈ શકે છે. તેથી પોલિસીની શરતોમાં સર્જરી, હોસ્પિટલમાં દાખલ થવું, તપાસ અને સારવાર પહેલાં તથા પછીના ખર્ચનું કવર ધ્યાનથી વાંચવું જોઈએ.
કેટલીક પોલિસીમાં સારવારના ખર્ચ ઉપરાંત થર્ડ પાર્ટી લાયબિલિટી સાથે જોડાયેલા જોખમ પણ કવર કરવામાં આવી શકે છે. એટલે કે પોલિસી માત્ર સારવારના ખર્ચ સુધી મર્યાદિત ન પણ હોય. પોલિસી પસંદ કરતી વખતે તેમાં થર્ડ પાર્ટી સાથે જોડાયેલી લાયબિલિટીનું કવર છે કે નહીં અને તેની મર્યાદા કેટલી છે તે પણ તપાસવું જોઈએ.
ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે શું કવર નથી થતું તેના પર સૌથી વધુ ધ્યાન આપવું જોઈએ. માત્ર કવરેજની લાંબી યાદી જોઈને પોલિસી ખરીદવી યોગ્ય નથી. પોલિસીના દસ્તાવેજમાં બીમારી, પહેલેથી રહેલી સ્વાસ્થ્ય સમસ્યા, કેટલીક ખાસ સારવાર અથવા અન્ય પરિસ્થિતિઓ સાથે જોડાયેલા એક્સક્લુઝન હોઈ શકે છે. તેથી ખરીદી કરતા પહેલા કવરેજ અને એક્સક્લુઝન બંને વાંચવા જરૂરી છે.
પેટ ઇન્શ્યોરન્સની માંગ વધવા પાછળનું સૌથી મોટું કારણ સારવારનો વધતો ખર્ચ છે. સર્જરી, તપાસ, હોસ્પિટલમાં દાખલ થવું અને નિષ્ણાતની સારવાર મોંઘી થતી હોવાથી પાળતુ પ્રાણીઓના માલિકો અચાનક આવતા મોટા ખર્ચ સામે નાણાકીય સુરક્ષા મેળવવા માંગે છે. આવી સ્થિતિમાં ઇન્શ્યોરન્સ પોલિસીનો ઉપયોગ અચાનક આવતા મોટા તબીબી ખર્ચને સંભાળવા માટે નાણાકીય સુરક્ષા તરીકે કરી શકાય છે.
Comments
Loading comments...