Posted on 17 October 2026 | અંકિત ત્રિવેદી | ગુજરાત, દિલ્હી

Gujarat Power Crisis: ચાલુ વર્ષે ચોમાસુ પૂરું થતાં જ ગુજરાતમાં આકરા તાપ અને બફારાને કારણે અચાનક જ વીજળીની કટોકટી સર્જાઈ છે. 16 ઓક્ટોબરે રાજ્યમાં અત્યાર સુધીની ઇતિહાસની સૌથી વધુ 29,822 મેગાવોટ(MW) વીજ માગ નોંધાઈ હતી, જે ગત વર્ષની સરખામણીએ 36.6% વધુ છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે, ઊર્જા મંત્રી અને રાજ્ય મંત્રીએ તમામ વીજ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની સમીક્ષા બેઠક યોજીને વધારાની વીજળી અને કોલસા માટે દિલ્હી સુધી દોડધામ કરવી પડી છે.
ચોમાસાની ઓછી તીવ્રતા અને કાળઝાળ ગરમીથી માગ શૂટ-અપ થઈ
ઓક્ટોબર માસમાં અચાનક વીજ માગ વધવા પાછળ અલ નીનોની અસર અને નબળા ચોમાસાને કારણે ઊંચું ગયેલું તાપમાન મુખ્ય કારણ ગણાવાયું છે. કૂલિંગ લોડ (એસી/ફેન) વધવાની સાથે ખેતીવાડીમાં પાક બચાવવા માટે દૈનિક 12,000 મેગાવોટ જેટલો મોટો વીજ લોડ નોંધાઈ રહ્યો છે. ઉપરાંત, પાડોશી રાજ્યો અને ગુજરાતમાં ઓછો વરસાદ હોવાથી હાઇડ્રો પાવરનું ઉત્પાદન ઘટ્યું છે અને પવનની ગતિ ધીમી પડતાં વિન્ડ એનર્જીનું ઉત્પાદન પણ ખોરવાયું છે.
સાંજ પડતાં જ ગ્રીડ પર 'રેડ એલર્ટ' જેવી સ્થિતિ
હાલ ગુજરાત દિવસ દરમિયાન 12,000 મેગાવોટ સોલાર ઊર્જા પર નિર્ભર રહે છે. પરંતુ સાંજે 5 થી રાત્રે 11 વાગ્યા દરમિયાન સૂર્યાસ્ત થતાં જ સોલાર ઉત્પાદન શૂન્ય થઈ જાય છે. બીજી તરફ, નવરાત્રિ અને તહેવારોને કારણે આ જ સમયે વીજ માગ ચરમસીમાએ પહોંચે છે. પરિણામે, રાજ્યમાં થર્મલ(કોલસો) અને ગેસ આધારિત પાવર પ્લાન્ટ્સ પર ભારે દબાણ આવી ગયું છે.
કેન્દ્ર પાસે ઝોળી ફેલાવવી પડી, કોલસા અને પાવર માટે દિલ્હીમાં બેઠકો
રાજ્યમાં વીજળીનો પુરવઠો જાળવી રાખવા માટે સરકારે કેન્દ્ર સરકાર સામે મદદ માટે હાથ લંબાવવો પડ્યો છે. દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠકો યોજીને નવેમ્બરથી રોજના 13 થી 14 કોલસાના રેલવે રેક આપવા વિનંતી કરાઈ છે.
Comments
Loading comments...