Posted on 29 August 2026 | શ્રેયસ યાદવ | ગુજરાત, નવસારી

બનાસકાંઠા જિલ્લાના હડાદ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ધાગડિયા ગામે એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. ગત 27 ઓગસ્ટના રોજ ધાગડિયા ગામે રહેતા હોમીરા દેવાભાઇ મકવાણા નામના પુત્રએ પોતાના પિતા દેવાભાઇ મેતાભાઈ મકવાણા સાથે કોઈ બાબતે ઉગ્ર ઝઘડો કર્યો હતો. આવેશમાં આવી ગયેલા પુત્રએ પોતાના પિતા પર છરી વડે નિર્મમ હુમલો કરી તીક્ષ્ણ શસ્ત્રના ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે પિતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ આરોપી પુત્ર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
અરેરાટીભરી હત્યાની આ ઘટનાની જાણ થતાં જ હડાદ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે સ્થાનિક લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિત અલગ-અલગ તપાસ ટીમોની રચના કરી હતી. આરોપી પુત્રને ઝડપી પાડવા માટે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરવામાં આવ્યું હતું.
પોલીસની સતત મથામણ અને બાતમીદારોની ચોક્કસ માહિતીના આધારે હડાદ પોલીસને મોટી સફળતા મળી હતી. ફરાર આરોપી હોમીરા મકવાણા પોશીના તાલુકાના દોતડ ગામે છુપાયો હોવાની પાકી બાતમી મળતાં પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં જ હત્યામાં વપરાયેલા હથિયાર સાથે રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
Comments
Loading comments...