Posted on 15 September 2026 | રાકેશ ચૌધરી | ગુજરાત, અમદાવાદ

Ahmedabad News: અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં આવેલા ઇલેક્ટ્રિક રૂમમાં ઉત્તર પ્રદેશના 38 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતક યુવક જામનગરથી પોતાના વતન જવા નીકળ્યો હતો, પરંતુ આર્થિક મૂંઝવણ અને માનસિક તણાવ વચ્ચે તેણે આ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. નોંધનીય છેકે, સુરક્ષામાં આટલી મોટી ચૂક કેવી રીતે? પોલીસ પર ગંભીર સવાલો થઈ રહ્યા છે. બીજી તરફ પીઆઈએ જણાવ્યું કે, 'ઈન્ચાર્જ સ્ટેશન ડાયરી નોંધવા ગયા હતા. આ દરમિયાન યુવક ઈલેક્ટ્રિક રૂમમાં ગયો હતો.'
યુવક ઇલેક્ટ્રિક રૂમમાં ગયો હતો અને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો
મળતી માહિતી અનુસાર, મૃતક યુવકની ઓળખ રાજુ રામનક્ષત્રા જાટવ (ઉં.38, મૂળ ઉત્તર પ્રદેશ) તરીકે થઈ છે. તે જામનગરમાં રોજીરોટી અર્થે રહેતા હતા અને ત્યાંથી વતન ઉત્તર પ્રદેશ જવા માટે ટ્રેનમાં નીકળ્યા હતા. મુસાફરી દરમિયાન તેઓ અમદાવાદના અસારવા રેલવે સ્ટેશન પર ઉતરી ગયા હતા. આગળની મુસાફરી માટે નાણાં ન હોવાથી અને પગાર અંગેની મૂંઝવણ હોવાથી તેમણે કંટ્રોલ રૂમમાં ફોન કરીને મદદ માંગી હતી. જેને પગલે શહેર કોટડા પોલીસની ટીમ તેને સલામત રીતે પોલીસ સ્ટેશને લઈ આવી હતી.
પોલીસે યુવકના પરિવારજનો અને સગા-સંબંધીઓનો સંપર્ક કરતા તેમણે સવારે નાણાં મોકલવાની ખાતરી આપી હતી. તે સમયે મોડી રાત્રે ભારે વરસાદ પડી રહ્યો હોવાથી પોલીસે યુવકને સવાર સુધી પોલીસ સ્ટેશનમાં જ રોકાઈને આરામ કરવા જણાવ્યું હતું. જોકે, મોડી રાત્રે કોઈની નજર ન પડે તેમ યુવક નીચે આવેલા ઇલેક્ટ્રિક રૂમમાં ગયો હતો અને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસ દ્વારા સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી છે.
શહેર કોટડા પોલીસ સ્ટેશનના પીઆઇએ શું કહ્યું?
આ મામલે શહેર કોટડાપોલીસ સ્ટેશનના પીઆઇએ જણાવ્યું કે, 'રાજુ જાટવને પોલીસ સ્ટેશન લાવીને ગ્રાઉન્ડ ફ્લોર પર બેસાડવામાં આવ્યો હતો. એ પછી તેની પૂછપરછ કરવામાં આવી હતી અને પરિવાર સાથે પણ ફોન પર વાત કરાવવામાં આવી હતી. જે બાદ ઇન્ચાર્જ ઉપરના ફ્લોર પર સ્ટેશન ડાયરીમાં નોંધ કરવા માટે ગયા હતા. ત્યારે યુવક ત્યાં નીચે બેઠો હતો. યુવક ચાલીને ઇલેક્ટ્રીક રૂમમાં ગયો હતો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. વહેલી સવાર સુધી તેણે દરવાજો ન ખોલતા દરવાજો તોડાવીને અંદર જતા તેણે આપઘાત કરેલો જોવા મળ્યો હતો. યુવક ચાલીને ઇલેક્ટ્રીક રૂમમાં જતો હોય તેવું સીસીટીવી ફૂટેજ ચેક કરતા જોવા મળ્યું હતું. યુવકે આપઘાત કર્યો તે અંગે તેના પરિવારને પણ જાણ કરવામાં આવી છે.'
Comments
Loading comments...