Posted on 05 September 2026 | જયેશ જોષી | ગુજરાત

કંઠારિયાથી વાસદ માર્ગ પર પાછળથી પૂરઝડપે આવી રહેલા અજાણ્યા વાહને ટેમ્પોને ટક્કર મારતા સર્જાઈ દુર્ઘટના
૧૨ ઈજાગ્રસ્તો પૈકી ગંભીર રીતે ઘાયલ ૮ લોકોને વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા
(પ્રતિનિધિ), વડોદરા. તા ૪
રાજકોટ શહેરના એક પરિવાર માટે આસ્થા અને ઉમંગનો માહોલ અચાનક જ ગમખવાર અકસ્માતમાં ફેરવાઈ ગયો હોવાની દુર્ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટથી પાવાગઢ ખાતે માતાજીના દર્શનાર્થે જઈ રહેલા એક પરિવારના સભ્યોથી ભરેલો ટેમ્પો અકસ્માતનો ભોગ બન્યો હતો. આ અકસ્માતમાં ટેમ્પોમાં સવાર નાના બાળકો સહિત કુલ ૧૨ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, તેઓ રાજકોટથી નીકળીને સૌપ્રથમ સાળંગપુર ખાતે દર્શનાર્થે રોકાયા હતા. ત્યાંથી દર્શન કરી, પ્રસાદ લઈને તેઓ આગળની યાત્રાએ રવાના થયા હતા. તારાપુર ચોકડી થઈને જ્યારે આ પરિવાર ગેસપુર પાસેથી પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન વહેલી સવારે કંઠારિયાથી વાસદ જવાના માર્ગ પર આ દુર્ઘટના ઘટી હતી.

પૂરઝડપે પાછળથી આવી રહેલા બોલેરો જેવા એક અજાણ્યા વાહને ટેમ્પોને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ચાલકે કાબૂ ગુમાવતા ટેમ્પો માર્ગ પર પલટી ખાઈ ગયો હતો. અકસ્માતને પગલે રસ્તા પર ચીસાચીસ મચી ગઈ હતી અને આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા…

આ અકસ્માતમાં ટેમ્પોમાં સવાર અંદાજે ૧૦ થી ૧૨ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં નાનાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. ઈજાગ્રસ્તોમાં સંજયભાઈ અને અન્ય પરિવારજનોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઘટનાની જાણ થતા જ ૧૦૮ એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક પ્રાથમિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, કેટલાક દર્દીઓની તબિયત વધુ ગંભીર જણાતા, તેમાંથી ૮ જેટલા ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ તમામ ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

અકસ્માતની આ ઘટનાને પગલે પરિવારમાં શોક અને રોષનું વાતાવરણ છવાયું છે. અજાણ્યો વાહનચાલક અકસ્માત સર્જીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે આ મામલે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાઓના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
Comments
Loading comments...