Posted on 25 September 2026 | કિરણ પટેલ | સ્પોર્ટ્સ

Nagoya Asian Games 2026: એશિયન ગેમ્સ 2026માં 24 સપ્ટેમ્બર સુધીના આંકડાઓ અનુસાર ભારતના ખાતામાં કુલ 17 મેડલ છે, પરંતુ તેમાં માત્ર એક જ ગોલ્ડ મેડલ સામેલ છે. છેલ્લા ત્રણ વર્ષની તૈયારીઓ પાછળ 800 કરોડ રૂપિયાથી વધુનો જંગી ખર્ચ કરવા છતાં ભારત મેડલ ટેલીમાં 14મા સ્થાને છે. નોંધનીય છે કે ભારતનો આ એકમાત્ર ગોલ્ડ મહિલા ક્રિકેટ ટીમે જીત્યો છે. નાગોયામાં ચાલી રહેલી આ સ્પર્ધામાં માત્ર મેડલની સંખ્યા જ નહીં, પરંતુ ગોલ્ડની ઘટતી સંખ્યા ભારતીય રમતગમત વ્યવસ્થા અને એશિયાની ટોચની રમતગમત તાકાતો સામે મોટા સવાલો ઊભા કરી રહી છે.
ખેલાડીઓની તાલીમ અને આંતરરાષ્ટ્રીય એક્સપોઝર પર કરોડોનો ખર્ચ
ભારતે આ વખતે એશિયન ગેમ્સની તૈયારીમાં નાણાં ખર્ચવામાં કોઈ કસર છોડી નથી. છેલ્લા ત્રણ વર્ષમાં ખેલાડીઓની તાલીમ, આંતરરાષ્ટ્રીય એક્સપોઝર, સાધનો, કોચિંગ અને વિશેષજ્ઞોની સેવાઓ પર 702.86 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. આ ઉપરાંત, 'ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ' (TOPS) દ્વારા 97.84 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે, જેથી સરકારી રોકાણ કુલ 800.70 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
24 સપ્ટેમ્બર સુધી ભારતના ખાતામાં 1 ગોલ્ડ, 7 સિલ્વર અને 9 બ્રોન્ઝ એટલે કે કુલ 17 મેડલ છે. કુલ સંખ્યા સારી લાગે છે, પરંતુ મેડલ ટેબલ પર ભારત 14મા સ્થાને છે જ્યારે ચીન 78 ગોલ્ડ સહિત 126 મેડલ સાથે મોખરે છે. આ ઉપરાંત જાપાન અને દક્ષિણ કોરિયા પણ ઘણા આગળ છે. ભારત પોડિયમ સુધી પહોંચીને સિલ્વર અને બ્રોન્ઝ જીતી રહ્યું છે, પરંતુ સૌથી ઉપર (ગોલ્ડ સુધી) પહોંચવાની ગતિ ખૂબ જ ધીમી છે.
'મનીષ સિસોદિયા પર કોઈ આરોપ નથી લગાવ્યાં..' કોર્ટમાં CBIના દાવા સામે કેજરીવાલનો ઘટસ્ફોટ
હાંગઝોઉનું શાનદાર પ્રદર્શન અને નાગોયાની વાસ્તવિકતા
વર્ષ 2023ના હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ભારતે ઇતિહાસ રચતા પહેલીવાર 100નો આંકડો પાર કરીને 106 મેડલ (28 ગોલ્ડ, 38 સિલ્વર અને 40 બ્રોન્ઝ) મેળવ્યા હતા અને ભારત ચોથા સ્થાને રહ્યું હતું. હાંગઝોઉએ ભારતીય રમતોની અપેક્ષાઓનું સ્તર ઘણું ઊંચું કરી દીધું હતું, જેના કારણે હવે 100થી વધુ મેડલ સામાન્ય અપેક્ષા બની ગયા છે.
નાગોયામાં હજુ રમતો પૂરી થઈ નથી અને ભારત પાસે હજુ ઘણા મેડલ જીતવાની તકો બાકી છે, પરંતુ શરૂઆતની ગતિ એ સવાલ જરૂર ઊભો કર્યો છે કે હાંગઝોઉમાં 28 ગોલ્ડ જીતનાર ભારત નાગોયામાં હજુ સુધી માત્ર 1 જ ગોલ્ડ કેમ મેળવી શક્યું છે? ભારત તરફથી એકમાત્ર ગોલ્ડ મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 144 રને હરાવીને સતત બીજીવાર જીત્યો છે. આ વખતે ભારત 501 ખેલાડીઓ સાથે ઉતર્યું છે જેમાં 310 ખેલાડીઓ ડેબ્યુ કરી રહ્યા છે, જે નવી પેઢી તૈયાર કરવાનો પ્રયાસ પણ દર્શાવે છે.
Comments
Loading comments...