Posted on 05 August 2026 | પ્રિયંકા ત્રિવેદી | ગુજરાત, ફેશન, આણંદ

અમરેલી: જ્યોતિષ શાસ્ત્રમાં નક્ષત્રનું અનેરું મહત્વ છે. તેમજ ચોમાસાની ઋતુ દરમિયાન અનેક નક્ષત્ર આવે છે. આ નક્ષત્રના આધારે વરસાદનું પૂર્વાનુમાન કરવામાં આવે છે. તેમજ પછીનું એટલે આગળનું વર્ષ કેવું રહેશે તેનું અનુમાન કરવામાં આવે છે. તેમજ નક્ષત્ર થયેલા વરસાદના આધારે પાકનું પણ અનુમાન કરવામાં આવે છે.
ગુજરાતમાં ચોમાસાની ઋતુ દરમિયાન આવતા વિવિધ નક્ષત્રોમાં આશ્લેષા નક્ષત્રને ખેડૂતો માટે સૌથી શુભ અને લાભદાયક માનવામાં આવે છે. વર્ષોથી ખેડૂતો અને વડીલો વચ્ચે એવી લોકમાન્યતા પ્રચલિત છે કે "આશ્લેષા વર્ષે (વરસાદ થાય) તો ખેડૂતો હરખે" અને "આશ્લેષાનું પાણી સોનાથી પણ મોંઘું" હોય છે. આ કહેવતો પાછળનો અર્થ એ છે કે આ સમયગાળામાં જો મધ્યમ અને સતત વરસાદ પડે તો તે ખેતી માટે અત્યંત લાભદાયક સાબિત થાય છે અને પાકને ઉત્તમ વિકાસ માટે અનુકૂળ વાતાવરણ મળે છે.
ખેડૂતોમાં બીજી એક જાણીતી કહેવત છે કે "આશ્લેષા લીલી તો ખેડૂતોની દિવાળી લીલી." એટલે કે આશ્લેષા નક્ષત્ર દરમિયાન ખેતરો લીલાછમ બને, પૂરતો વરસાદ થાય અને જમીનમાં ભેજ જળવાઈ રહે તો આખું વર્ષ ખેડૂતો માટે સુખાકારી અને સમૃદ્ધિનું બની શકે છે. મગફળી, કપાસ, તલ, સોયાબીન, જુવાર અને અન્ય ખરીફ પાક માટે આ સમયગાળો ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે.
Comments
Loading comments...