पोस्ट केले १४ ઑગસ્ટ, २०२६ | નીલેશ શાહ | ઓપિનિયન, નેશનલ, નવસારી

સાયબર ઠગો વોટ્સએપ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા મતદારોને મેસેજ મોકલે છે. મેસેજમાં ઘણી વખત એવું કહેવામાં આવે છે કે તેમની મતદાર નોંધણીની વિગતો ખોટી છે અથવા SIR માટેની તેમની અરજી નામંજૂર થઈ ગઈ છે. ત્યારબાદ મેસેજમાં એક લિંક આપવામાં આવે છે અને દાવો કરવામાં આવે છે કે તેના દ્વારા મતદારની વિગતો સુધારી અથવા ફરીથી અપડેટ કરી શકાય છે. વ્યક્તિ લિંક પર ક્લિક કરે ત્યાર બાદ ઠગો પોતાને ચૂંટણી પંચના અધિકારી તરીકે રજૂ કરે છે અને વેરિફિકેશનના નામે વધુ એક લિંક પર ક્લિક કરવા અથવા કોઈ ચેટ ગ્રુપમાં જોડાવા માટે કહે છે.
TGCSBના જણાવ્યા પ્રમાણે ઠગોની સૌથી ખતરનાક રીતોમાંથી એક છે માત્ર ₹5 જેવી નાની રકમ માંગવી. ઠગો મતદારની વિગતો વેરિફાઈ કરવા અથવા અપડેટ કરવા માટે નાની ફી ભરવાનું કહે છે. નાની રકમ હોવાથી લોકો ઘણી વખત તેના પર શંકા કરતા નથી. પરંતુ એકવાર વિશ્વાસ ઊભો થયા પછી ઠગો આ પ્રકારની સંવેદનશીલ માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે:
ઈન્ટરનેટ બેંકિંગનું યુઝરનેમ અને પાસવર્ડ
ડેબિટ અને ક્રેડિટ કાર્ડની વિગતો
એટીએમ અથવા કાર્ડ પિન
બેંકિંગ પાસવર્ડ
OTP
અન્ય ગુપ્ત નાણાકીય માહિતી
TGCSBએ સ્પષ્ટ કર્યું છે કે SIR પ્રક્રિયા સંપૂર્ણપણે મફત છે. મતદારની માહિતી અપડેટ કરવા અથવા SIR અરજીની પ્રક્રિયા માટે ચૂંટણી પંચ કોઈ ફી વસૂલતું નથી. એટલે જો કોઈ વ્યક્તિ ચૂંટણી પંચના નામે ફોન કે મેસેજ કરીને ₹5 કે અન્ય કોઈ રકમ માંગે તો તે છેતરપિંડી હોઈ શકે છે.
સાયબર સિક્યોરિટી બ્યુરોએ લોકોને અજાણ્યા નંબર પરથી આવતા ચૂંટણી સંબંધિત મેસેજ અથવા ફોનનો જવાબ ન આપવા સલાહ આપી છે. ખાસ કરીને કોઈ અજાણી લિંક પર ક્લિક ન કરવા અને સોશિયલ મીડિયા અથવા મેસેજિંગ એપ પર મળેલી ચૂંટણી સંબંધિત માહિતીની ખરાઈ સત્તાવાર માધ્યમથી જ કરવા કહેવામાં આવ્યું છે. કોઈ વ્યક્તિ પોતાને ચૂંટણી કાર્યાલયનો અધિકારી ગણાવે તો પણ તેને ઈન્ટરનેટ બેંકિંગનું યુઝરનેમ, પાસવર્ડ, કાર્ડની વિગતો, પિન કે OTP આપવો નહીં.
મતદાર યાદીની SIR પ્રક્રિયા ચાલી રહી હોવાથી સાયબર ઠગો આ સમયનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મતદારોને ખબર હોય છે કે મતદાર યાદીમાં નામ અને વિગતોની ચકાસણી થઈ રહી છે, તેથી ખોટા મેસેજને સાચો માની લેવાની શક્યતા વધી જાય છે. આ કારણે સાયબર સિક્યોરિટી બ્યુરોએ લોકોને ખાસ સાવધ રહેવા અને શંકાસ્પદ મેસેજ, ફોન અથવા ઓનલાઈન લિંકની જાણ સંબંધિત સત્તાવાળાઓને કરવા અપીલ કરી છે.
टिप्पण्या
टिप्पण्या लोड होत आहेत...