पोस्ट केले १४ જુલાઈ, २०२६ | કિરણ પટેલ | હેલ્થ
સમગ્ર વિશ્વમાં આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં લાખો લોકો યોગના માધ્યમથી સ્વસ્થ જીવનનો સંદેશ આપી રહ્યા છે. સુરત શહેરમાં પણ વિવિધ સરકારી, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે યોગના મહત્વ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા, જ્યારે સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ વિશાળ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન મોદીના પ્રયાસોથી યોગને મળી વૈશ્વિક ઓળખ મીડિયા સાથે વાતચીત દરમિયાન કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે ભારતની પ્રાચીન યોગ પરંપરાને વૈશ્વિક સ્તરે પહોંચાડવામાં વડાપ્રધાન મોદીની ભૂમિકા ઐતિહાસિક રહી છે. વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વડાપ્રધાન મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને વિશ્વના 176 દેશોએ સમર્થન આપ્યું હતું.આજે તેના પરિણામ સ્વરૂપ દર વર્ષે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. જણાવ્યું કે યોગ માત્ર એક વ્યાયામ નથી પરંતુ શરીર, મન અને આત્માને સંતુલિત રાખવાની પ્રાચીન ભારતીય જીવનશૈલી છે.
દવા વગર સ્વસ્થ રહેવાનો શ્રેષ્ઠ માર્ગ છે યોગ સી.આર. પાટીલે જણાવ્યું કે આધુનિક જીવનશૈલીમાં લોકો અનેક પ્રકારની શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં યોગ એક કુદરતી ઉપચાર તરીકે કાર્ય કરે છે.તેમણે જણાવ્યું કે નિયમિત યોગાભ્યાસ કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે, અનેક નાની-મોટી બીમારીઓ સામે લડવાની ક્ષમતા વિકસે છે. દવાઓ પર આધાર રાખ્યા વિના વ્યક્તિ પોતાનું સ્વાસ્થ્ય જાળવી શકે છે.તેમણે વધુમાં કહ્યું કે યોગના વિવિધ આસનો,પ્રાણાયામ શરીરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે અને માનસિક શાંતિ પ્રદાન કરે છે. આજના ઝડપી જીવનમાં તણાવ, ચિંતા અને થાક સામાન્ય સમસ્યાઓ બની ગઈ છે, માત્ર થોડા સમયના યોગ દ્વારા શરીર અને મનને ફરીથી તાજગી આપી શકાય છે.
શરીરના દરેક અંગને મળે છે લાભ યોગ માત્ર સ્નાયુઓને મજબૂત બનાવતો વ્યાયામ નથી પરંતુ શરીરના દરેક અંગના આરોગ્ય માટે ઉપયોગી છે. મસ્તકથી લઈને પગ સુધીના તમામ અંગોને પૂરતો આરામ,સક્રિયતા આપવા માટે યોગ અસરકારક છે.નિયમિત યોગાભ્યાસથી રક્તસંચાર સુધરે છે, શ્વાસતંત્ર મજબૂત બને છે, પાચનક્રિયા સારી રહે છે અને શરીરમાં લવચીકતા વધે છે. આ ઉપરાંત યોગ માનસિક એકાગ્રતા અને આત્મવિશ્વાસમાં પણ વધારો કરે છે.
યોગના કારણે રોજગારીની નવી તકો સી.આર. પાટીલે જણાવ્યું કે યોગનો લાભ માત્ર સ્વાસ્થ્ય સુધી મર્યાદિત નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં યોગના ક્ષેત્રમાં રોજગારીની નવી તકો પણ ઉભી થઈ છે.દેશભરમાં હજારો યોગ શિક્ષકો, ટ્રેનરો અને યોગ ગુરુઓ લોકોને તાલીમ આપી રહ્યા છે. યોગ કેન્દ્રો, વેલનેસ ક્લબો અને ફિટનેસ સંસ્થાઓમાં રોજગારીના અનેક અવસરો સર્જાયા છે.આ રીતે યોગ આરોગ્ય સાથે આર્થિક વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે.તેમણે તમામ નાગરિકોને પોતાના દૈનિક જીવનમાં યોગને સ્થાન આપવા અને સ્વસ્થ ભારતના નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરી હતી.
સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે ભવ્ય યોગ શિબિરનું આયોજન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે સુરત શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ વિશાળ યોગ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, પોલીસ જવાનો, તેમના પરિવારજનો, વરિષ્ઠ નાગરિકો તેમજ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ લોકોએ સામૂહિક યોગાભ્યાસ કરીને સ્વસ્થ જીવનનો સંદેશ આપ્યો હતો.
આર્ટ ઓફ લિવિંગના યોગ ગુરુઓએ આપ્યું માર્ગદર્શન યોગ શિબિરમાં ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના અનુભવી યોગ ગુરુઓને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમણે વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.ભાગ લેનારાઓને યોગ્ય શ્વાસ પ્રક્રિયા, શરીરની લવચીકતા વધારતા આસનો તેમજ તણાવ ઘટાડવા માટેના યોગ અભ્યાસ કરાવવામાં આવ્યા હતા.આ ઉપરાંત સુરત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પણ વિશેષ યોગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેલૌત યોગનું મહત્વ સમજાવ્યું
આ પ્રસંગે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેલૌતે જણાવ્યું હતું કે ભારતની હજારો વર્ષ જૂની યોગ પરંપરાને વિશ્વવ્યાપી ઓળખ અપાવવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.તેમણે જણાવ્યું કે યોગ માત્ર શરીરને ફિટ રાખવાનો ઉપાય નથી પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ઉપયોગી છે. નિયમિત યોગાભ્યાસ વ્યક્તિને તણાવમુક્ત રાખે છે અને જીવનમાં સકારાત્મકતા લાવે છે.
‘Yoga for Healthy Aging’ થીમ સાથે ઉજવણી આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ “Yoga for Healthy Aging” રાખવામાં આવી છે.આ થીમનો મુખ્ય હેતુ એ છે કે વધતી ઉંમર સાથે લોકો યોગના માધ્યમથી સ્વસ્થ, સક્રિય અને આત્મનિર્ભર જીવન જીવી શકે. વૃદ્ધાવસ્થામાં આવતી અનેક શારીરિક સમસ્યાઓને નિયંત્રિત કરવામાં યોગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
પોલીસ કર્મચારીઓ માટે યોગ વધુ જરૂરી સુરત પોલીસ કમિશનરે જણાવ્યું કે પોલીસ વિભાગની કામગીરી સતત 24 કલાક ચાલતી હોય છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી વચ્ચે પોલીસ કર્મચારીઓ ભારે માનસિક દબાણ અને શારીરિક પડકારોનો સામનો કરતા હોય છે. આવા સમયમાં યોગ પોલીસ કર્મચારીઓને માનસિક રીતે મજબૂત અને શારીરિક રીતે સક્ષમ બનાવે છે. જો પોલીસ દળ સ્વસ્થ અને ફિટ રહેશે તો તેઓ નાગરિકોની વધુ સારી રીતે સેવા કરી શકશે.તેમણે જણાવ્યું કે સુરત પોલીસ વિભાગ નિયમિત યોગાભ્યાસને પ્રોત્સાહન આપી રહ્યું છે અને ભવિષ્યમાં પણ આ અભિયાન સતત ચાલુ રહેશે.
સ્વસ્થ ભારત તરફ એક મહત્વપૂર્ણ પગલું આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માત્ર એક દિવસનો કાર્યક્રમ નથી પરંતુ સ્વસ્થ અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટેનું જનઆંદોલન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી આજે યોગ વિશ્વના 176 દેશોમાં પહોંચ્યો છે અને લાખો લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યો છે.
સુરતમાં યોજાયેલા કાર્યક્રમોએ પણ એ સંદેશ આપ્યો કે યોગ માત્ર કસરત નહીં પરંતુ સ્વસ્થ જીવન જીવવાની એક સંપૂર્ણ જીવનશૈલી છે.તંદુરસ્ત શરીર, શાંત મન અને સકારાત્મક વિચારસરણી માટે યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવો સમયની માંગ બની ગઈ છે.
टिप्पण्या
टिप्पण्या लोड होत आहेत...