પ્રકાશિત ૦૨ ઑક્ટોબર, ૨૦૨૬ | અંકિત ત્રિવેદી | નેશનલ, દિલ્હી

Election Commission of India dispute: ભારતીય લોકશાહીના સૌથી મોટા રખેવાળ ગણાતા ‘ભારતના ચૂંટણી પંચ’ (ECI)માં ઉચ્ચ સ્તરે એક ગંભીર વિખવાદ સર્જાયો છે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) ‘જ્ઞાનેશ કુમાર’ની કાર્યશૈલી અને નિર્ણયો સામે તેમના જ બે સાથી કમિશનરો ‘સુખબીર સિંહ સંધુ’ અને ‘વિવેક જોશી’એ ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી છે. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં પ્રકાશિત અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા 10 મહિનાના ટૂંકા ગાળામાં આ બંને કમિશનરોએ CECના નિર્ણયો સામે 14 વખત ઔપચારિક વાંધા ઉઠાવ્યા છે. આ કટોકટી એટલી ગંભીર છે કે મામલો હવે દેશના કેબિનેટ સચિવ સુધી પહોંચી ગયો છે. ચાલો જાણીએ કે આ વિવાદ શું છે, કયા મુદ્દાઓ પર મતભેદ છે અને તેનાથી દેશની ચૂંટણી વ્યવસ્થા પર શું અસર પડી શકે છે.
વિવાદનું મૂળ: ફોર્મ 6 અને અનધિકૃત ફેરફારો
‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ મુજબ, વિવાદનું મુખ્ય કેન્દ્ર નવા મતદારોની નોંધણી માટે વપરાતું કાનૂની દસ્તાવેજ 'ફોર્મ 6' અને 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) કાર્યક્રમ છે, જેની અસર દેશના 13 કરોડ મતદારો પર પડે છે.
અસહમત કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીનો આરોપ છે કે મુખ્ય ચૂંટણી કમિશનરે તેમની જાણ કે મંજૂરી વિના મતદાર યાદીમાં નામ ઉમેરવા અને કાઢી નાખવા જેવા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.
સૌથી મોટો વાંધો ફોર્મ 6માં કરવામાં આવેલા ફેરફાર સામે છે. નિયમ મુજબ, ફોર્મ 6 'મતદારોના નોંધણી નિયમો, 1960' હેઠળ આવે છે અને સરકારની ઔપચારિક સૂચના (ગેઝેટ નોટિફિકેશન) વિના તેમાં કોઈ ફેરફાર કરી શકાય નહીં.
આમ છતાં, કાયદા મંત્રાલયની મંજૂરી વિના ગત મે મહિનામાં ચૂંટણી પંચના ઓનલાઈન પોર્ટલ પર ફોર્મ 6નું નવું વર્ઝન મૂકી દેવામાં આવ્યું. આ નવા ફોર્મમાં અરજદારોને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું તેમના માતા-પિતા કે દાદા-દાદી અગાઉની મતદાર યાદીમાં નોંધાયેલા હતા? કમિશનર સંધુએ આ ફેરફારને ‘અનધિકૃત’ ગણાવીને વરિષ્ઠ અધિકારીઓને પત્ર લખ્યો હતો અને ચેતવણી આપી હતી કે આવા ફેરફારોને કારણે પ્રથમ વખત મત આપનારા યુવાઓ પોતાના મતાધિકારથી વંચિત રહી શકે છે.
અસહમત કમિશનરો દ્વારા ઉઠાવવામાં આવેલા 4 ગંભીર મુદ્દા
'મનીષ સિસોદિયા પર કોઈ આરોપ નથી લગાવ્યાં..' કોર્ટમાં CBIના દાવા સામે કેજરીવાલનો ઘટસ્ફોટ
સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશી દ્વારા નીચે મુજબના 4 મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે.
બંધારણીય અધિકારીઓની અવગણના: ચૂંટણી પંચમાં આઇટી (IT) સિસ્ટમનું કેન્દ્રીકરણ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે સ્થાનિક નોંધણી અધિકારીઓ (ERO) અને મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEO)ની સત્તા છીનવાઈ ગઈ છે.
પારદર્શકતાનો અભાવ: સોફ્ટવેરમાં મોટા ફેરફારો અને મતદાર યાદી સુધારવા જેવા નિર્ણયો સંપૂર્ણ કમિશન (ત્રણેય સભ્યો) સમક્ષ રજૂ કર્યા વિના જ અમલમાં મૂકી દેવાયા.
ગેરકાયદે ફેરફારો: ફોર્મ 6માં કાયદા મંત્રાલયની મંજૂરી કે આંતરિક સર્વસંમતિ વિના ફેરફાર કરાયા.
સોફ્ટવેરની ખામી અને નુકસાન: આ કેન્દ્રીયકૃત ડિજિટલ સિસ્ટમની નિષ્ફળતાને કારણે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં ગોવામાં 97 યોગ્ય મતદારો પોતાના મતાધિકારથી વંચિત રહી ગયા હતા.
મામલો કેબિનેટ સચિવ સુધી પહોંચ્યો
ECINet અને ERONet જેવા મતદાર સોફ્ટવેરના કેન્દ્રીકરણ અને કામની ફાળવણીના નવા આદેશથી આઇટી વિભાગ પરના દેખરેખના સ્તરો દૂર કરાતા તણાવ એટલો વધી ગયો કે કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ સીધા કેબિનેટ સચિવ ટી.વી. સોમનાથનને પત્ર લખ્યો. ચૂંટણી પંચના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે. તેમણે ફરિયાદ કરી કે આઇટી વિભાગનું સંચાલન જે રીતે થઈ રહ્યું છે, તે ચૂંટણી પંચના કાયદાઓનું સીધું ઉલ્લંઘન છે અને તેમાં તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવા જોઈએ.
ટિપ્પણીઓ
ટિપ્પણીઓ લોડ થઈ રહી છે...