Posted on 26 September 2026 | દેવેન્દ્ર પટેલ | ઓપિનિયન

IIT campus placement ban companies: ઓફર લેટર આપ્યા બાદ વિદ્યાર્થીઓને નોકરી આપવાથી પીછેહઠ કરનારી કંપનીઓ સામે દેશની અગ્રણી ભારતીય ટેક્નોલોજી સંસ્થાઓ (IIT) દ્વારા સખત પગલાં લેવામાં આવ્યાં છે, જે અંતર્ગત આવી 22 કંપનીઓને આગામી બે કેમ્પસ પ્લેસમેન્ટ સિઝન માટે પ્રતિબંધિત કરવામાં આવી છે. આ મહત્ત્વપૂર્ણ નિર્ણય આ મહિનાની શરૂઆતમાં આઈઆઈટી ગુવાહાટી (IIT Guwahati) ખાતે યોજાયેલી AIPCની બેઠકમાં લેવામાં આવ્યો હતો.
22 કંપનીઓ આગામી બે વર્ષ માટે પ્લેસમેન્ટથી બહાર
પ્લેસમેન્ટ સિઝન શરૂ થતા પહેલા IITના વિદ્યાર્થીઓ માટે આ એક મોટા સમાચાર છે. જે કંપનીઓએ અગાઉ વિદ્યાર્થીઓને નોકરીના ઓફર લેટર આપ્યા હતા પરંતુ બાદમાં તેને પાછા ખેંચી લીધા કે પૂરા ન કર્યા, તેવી કુલ 22 કંપનીઓને આગામી બે વર્ષ માટે બૅન કરી દેવામાં આવી છે. હવે આ કંપનીઓને આગામી બે કેમ્પસ પ્લેસમેન્ટ સિઝનમાં ભાગ લેવા દેવામાં આવશે નહીં.
કમિટીની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય
વિદ્યાર્થીઓને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ કડક પગલું લેવામાં આવ્યું છે. આ નિર્ણય આ મહિનાની શરૂઆતમાં IIT ગુવાહાટી ખાતે મળેલી ઓલ ઇન્ડિયા પ્લેસમેન્ટ કમિટી (AIPC)ની બેઠકમાં લેવાયો હતો. AIPC એ સેન્ટ્રલ બોડી છે જે તમામ IIT કેમ્પસમાં પ્લેસમેન્ટ અને ઇન્ટર્નશિપની માર્ગદર્શિકા સંભાળે છે.
'બ્લેકલિસ્ટિંગ' શબ્દને બદલે 'નૉન-કોઓપરેશન' શબ્દનો ઉપયોગ
જોકે, પેનલે આ નિર્ણયને 'બ્લેકલિસ્ટિંગ' તરીકે ઓળખાવવાને બદલે 'નૉન-કોઓપરેશન' (સહયોગ ન કરવો) ગણાવવાનું જણાવ્યું છે. આ સંદર્ભમાં AIPCના સંકલનકર્તા અને આઈઆઈટી ગુવાહાટીના એસોસિયેટ પ્રોફેસર જ્હોન જોસે માહિતી આપી હતી કે આ કેસોમાં 23 આઈઆઈટીની 150થી વધુ જોબ ઓફર સંકળાયેલી છે, જેમાંથી કેટલીક કંપનીઓએ 10થી 15 ઓફર પાછી ખેંચી લીધી છે. આ કાર્યવાહીથી પ્રભાવિત થયેલી કંપનીઓમાં ઓરેકલ જેવી મોટી વૈશ્વિક કંપની તેમજ કેટલાક સ્ટાર્ટઅપ્સ પણ સામેલ હોવાનું સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે.
પ્રભાવિત વિદ્યાર્થીઓને મદદ કરવા માટે વિશેષ પ્રયાસો
જે વિદ્યાર્થીઓના જોબ ઓફર રદ થયા છે અને જેઓ બેરોજગાર બન્યા છે, તેમને સહાય કરવા માટે આઈઆઈટી સંસ્થાઓ દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્લેસમેન્ટ કાર્યાલયો દ્વારા આવા પ્રભાવિત વિદ્યાર્થીઓના CV વર્તમાન ભરતીકર્તાઓ સમક્ષ મોકલવામાં આવ્યા છે જેથી ઉપલબ્ધ જગ્યાઓ પર તેમને અગ્રતા મળી શકે. એક અંદાજ મુજબ આ પરસ્પર સંપર્ક થકી આશરે 20થી 30 ટકા વિદ્યાર્થીઓને નોકરીઓ મળી ગઈ છે.
Comments
Loading comments...