Posted on 17 July 2026 | કિરણ પટેલ | પૉલિટિક્સ
સુપ્રીમ કોર્ટની બેન્ચનો આદેશ અને મહત્વની ટિપ્પણી
જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે દેશભરમાં આવા કેદીઓની દયા અને માનવતાના આધારે મુક્તિ માટે એક સમાન માર્ગદર્શિકા બનાવવાની માગ કરતી જાહેર હિતની અરજી પર સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો હતો:
SLSA સાથે પરામર્શ: સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યોએ આ નીતિ ‘રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ’ સાથે પરામર્શ કરીને બનાવવી પડશે, જેથી પાત્ર કેદીઓની ઓળખ અને પ્રક્રિયામાં યોગ્ય તાલમેલ જળવાઈ રહે.
પ્રશાસનિક વિલંબ ન ચલાવી લેવાય: પીઠે અત્યંત સંવેદનશીલ ટિપ્પણી કરતા કહ્યું કે, કોઈપણ કેદીને માત્ર વહીવટી કે પ્રશાસનિક વિલંબના કારણે જિંદગીના છેલ્લા દિવસો અથવા વર્ષો જેલના સળિયા પાછળ વિતાવવા માટે મજબૂર ન કરવા જોઈએ. મુક્તિ અંગેના તમામ નિર્ણયો સકારણ હોવા જોઈએ અને તે ન્યાયિક સમીક્ષાને પાત્ર રહેશે.
2. UNની ગાઈડલાઈન અને મેડિકલ બોર્ડ
આ નીતિને પારદર્શક અને વૈજ્ઞાનિક બનાવવા માટે અદાલતે ચોક્કસ માપદંડો નક્કી કર્યા છે:
UNODC ની ગાઈડલાઈનનો આધાર: મુક્તિની નીતિમાં એવી બીમારીઓ કે જેને સંપૂર્ણપણે મટાડી ન શકાય, તેની એક સમાન વ્યાખ્યા નક્કી કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર માદક પદાર્થ અને ગુના કાર્યાલયની માર્ગદર્શિકાને આધાર બનાવવાનો આદેશ આપ્યો છે.
સ્વતંત્ર મેડિકલ બોર્ડ: કેદીઓની સ્વાસ્થ્ય સ્થિતિનું સંપૂર્ણ નિષ્પક્ષ મૂલ્યાંકન થઈ શકે તે માટે સ્વતંત્ર મેડિકલ બોર્ડની રચના કરવામાં આવશે, જે દર્દીની તપાસ કરીને રિપોર્ટ સોંપશે.
કમિટીની જવાબદારી અને સમગ્ર પ્રક્રિયાનું ડિજિટલાઈઝેશન
આ પ્રક્રિયા ઝડપી બને તે માટે સુપ્રીમ કોર્ટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો છે:
UTRC ને નિર્દેશો: અંડરટ્રાયલ રિવ્યુ કમિટીને આદેશ અપાયો છે કે તેઓ સમય-સમય પર ગંભીર બીમારી, મોટી ઉંમર કે શારીરિક અક્ષમતા ધરાવતા કેદીઓના કેસોની સમીક્ષા કરે અને જરૂર જણાય તો જામીન, પેરોલ કે સજામાં માફીની ભલામણ કરે.
E-Prisons પોર્ટલ સાથે જોડાણ: સમયપૂર્વ મુક્તિની આખી પ્રક્રિયાને E-Prisons પોર્ટલ સાથે સાંકળી લેવામાં આવશે. આ પોર્ટલ પર કેદીની અરજી, મેડિકલ રિપોર્ટ, જેલ પ્રશાસનનો અહેવાલ, મેડિકલ બોર્ડનો અભિપ્રાય અને અંતિમ નિર્ણય સહિતની તમામ વિગતો ઓનલાઈન ઉપલબ્ધ રહેશે.
કેન્દ્ર સરકાર આપશે સહાય: કેન્દ્ર સરકારના કાયદા મંત્રાલય, ગૃહ મંત્રાલય અને રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્રને રાજ્યોને જરૂરી તકનીકી સહાય અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા નિર્દેશ અપાયા છે.
આગામી સુનાવણી ક્યારે?
સુપ્રીમ કોર્ટે આપેલા આ આદેશોનું રાજ્યો દ્વારા કેટલું પાલન કરવામાં આવ્યું છે, તેની સમીક્ષા કરવા માટે આ કેસની આગામી સુનાવણી 19 જાન્યુઆરી 2027 ના રોજ હાથ ધરવામાં આવશે.
Comments
Loading comments...