Posted on 24 July 2026 | જયેશ જોષી | નેશનલ, અમદાવાદ

પશ્ચિમ આફ્રિકાના દેશ માલીમાં આશરે 3 મહિના પહેલાં અપહરણ કરાયેલા સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ ધીરુ રામાણીનો આખરે હેમખેમ છુટકારો થયો છે. આંતરરાષ્ટ્રીય હીરા ઉદ્યોગના મોટા ગજાના વેપારી ધીરુ રામાણીને મુક્ત કરવા માટે અપહરણકારોએ શરૂઆતમાં 100 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ લાંબી વાટાઘાટો બાદ અંતે 4 મિલિયન યુરો એટલે કે આશરે 44 કરોડ રૂપિયાની જંગી ખંડણી ચૂકવીને તેમનો જીવ બચાવવામાં આવ્યો છે.
સોનાના પ્રોજેક્ટ માટે માલી ગયા હતા
75 વર્ષીય ઉદ્યોગપતિ ધીરુ રામાણી છેલ્લા બે વર્ષથી માલીમાં એક મોટા ગોલ્ડ માઇનિંગ પ્રોજેક્ટના સંચાલન માટે ત્યાં શિફ્ટ થયા હતા:
અલ-કાયદાનું કનેક્શન: માલીમાં સક્રિય આતંકી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલા એક કટ્ટરપંથી જૂથે ધીરુ રામાણીની સાથે તેમના રસોઈયા અને ઇલેક્ટ્રિશિયનનું પણ અપહરણ કર્યું હતું.
પરિવારે જ સંભાળ્યો મોરચો: રામાણી પરિવારના સભ્યોએ આખી પ્રક્રિયા પોતાની રીતે જ સંભાળી હતી. વડીલના સુરક્ષિત પુનરાગમન માટે કોઈ સરકારી એજન્સીની મદદ લીધા વિના સીધી અપહરણકારો સાથે ડીલ ફાઇનલ કરવામાં આવી હતી.
જીવિત હોવાનો પુરાવો: અપહરણકારોએ ધીરુ રામાણી અને અન્ય બે ભારતીયો જીવિત હોવાની સાબિતી આપવા માટે એક વીડિયો કોલ કરાવ્યો હતો, જેના આધારે ખંડણીની રકમ ચૂકવવાનો સોદો નક્કી થયો હતો.
ડાયમંડ માર્કેટમાં મોટું નામ અને બિઝનેસ પ્રોફાઇલ
ધીરુ રામાણી અને તેમનો પરિવાર વૈશ્વિક સ્તરે ડાયમંડ બિઝનેસમાં બહુ મોટું નેટવર્ક ધરાવે છે:
વૈશ્વિક વેપાર: તેઓ સુરતમાં ‘રામાણી એક્સપોર્ટ’ નામે ડાયમંડ ફેક્ટરી ચલાવે છે, આ સિવાય અમેરિકાના ન્યૂયોર્કમાં ‘CBD ડાયમંડ એન્ડ જ્વેલરી’ ના નામે આલીશાન શો-રૂમ્સ ધરાવે છે.
અમેરિકામાં સ્થાયી: હાલમાં તેમનો પરિવાર અમેરિકામાં સ્થાયી થયેલો છે અને તેમના પુત્રો અમેરિકન નાગરિકત્વ ધરાવે છે.
Comments
Loading comments...