પ્રકાશિત ૦૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ | અંકિત ત્રિવેદી | વિશ્વ

તેમણે કહ્યું કે ભારત અને ફ્રાન્સ વર્ષ 2026ને ‘યર ઑફ ઈનોવેશન’ તરીકે પણ ઉજવી રહ્યા છે. બંને દેશો વચ્ચે નવી ટેકનોલોજી, સંશોધન અને નવીનતા ક્ષેત્રે સહયોગ વધારવાની ઘણી તકો છે. પીએમ મોદીના જણાવ્યા મુજબ, આવનારા સમયમાં બંને દેશો વચ્ચે સંયુક્ત પ્રયાસો અને ભાગીદારીના નવા રસ્તા ખૂલી શકે છે. પેરિસમાં બનેલું આ સ્વામિનારાયણ મંદિર માત્ર ધાર્મિક સ્થળ નથી, પરંતુ ભારત અને ફ્રાન્સ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોનું પણ પ્રતીક બની શકે છે. પીએમ મોદીએ જણાવ્યું કે મંદિરના નિર્માણમાં ભારતની પરંપરાગત કારીગરી અને ફ્રાન્સની આધુનિક એન્જિનિયરિંગનો સુંદર સમન્વય કરવામાં આવ્યો છે.
તેમણે ખાસ વાત કરતા જણાવ્યું કે મંદિર માટે ઉપયોગમાં લેવાયેલા અનેક પથ્થરો ભારતમાં કોતરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ પથ્થરોને ફ્રાન્સ લઈ જઈને આધુનિક ટેકનોલોજી અને એન્જિનિયરિંગની મદદથી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ રીતે મંદિર ‘મેડ ઇન ઇન્ડિયા’ અને ‘બિલ્ટ ઇન ફ્રાન્સ’નું અનોખું ઉદાહરણ બની ગયું છે. પીએમ મોદીએ આશા વ્યક્ત કરી કે પેરિસમાં બનેલું આ ભવ્ય મંદિર આગામી અનેક પેઢીઓ સુધી ભારત અને ફ્રાન્સ વચ્ચેના સહયોગ અને પરસ્પર સંબંધોનું પ્રતીક બની રહેશે. તેમણે કહ્યું કે આ મંદિર બંને દેશોની સંસ્કૃતિ અને પરંપરાઓને વધુ નજીક લાવવાનું કામ કરશે.
ભારત અને ફ્રાન્સના સંબંધોનો ઇતિહાસ ઘણો જૂનો છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં આ ઐતિહાસિક જોડાણનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ફ્રાન્સમાં ભારતીય સૈનિકોએ આપેલા બલિદાનની યાદ આજે પણ લોકોના મનમાં જીવંત છે. ભારતના અનેક સૈનિકોએ વિશ્વયુદ્ધ દરમિયાન ફ્રાન્સની ધરતી પર બહાદુરીપૂર્વક લડાઈ લડી હતી. આ ઉપરાંત ફ્રાન્સના અનેક વિદ્વાનોએ પણ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાને સમજવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પીએમ મોદીએ સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અને ભારતીય આધ્યાત્મિક વિચારધારાને સમજવામાં ફ્રેન્ચ વિદ્વાનોના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદના વિચારોને ફ્રાન્સ સુધી પહોંચાડવામાં ફ્રેન્ચ લેખક રોમેન રોલેન્ડની ભૂમિકાની પણ વાત કરી હતી. રોમેન રોલેન્ડે ભારતીય આધ્યાત્મિકતા અને મહાન સંતો વિશે લખ્યું હતું, જેના કારણે બંને સમાજ વચ્ચે વિચારોનું જોડાણ વધુ મજબૂત બન્યું. પીએમ મોદીએ શ્રી અરવિંદ અને ‘ધ મધર’ સાથે જોડાયેલા ભારત-ફ્રાન્સના આધ્યાત્મિક સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો. તેમના જણાવ્યા મુજબ, પેરિસથી પુડુચેરીના શ્રી અરવિંદ આશ્રમ સુધીની આધ્યાત્મિક યાત્રાએ ભારત અને ફ્રાન્સના અનેક લોકોને પ્રેરણા આપી છે.
આ ઉપરાંત તેમણે ઇસ્કોન સાથે જોડાયેલા આધ્યાત્મિક સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો. તેમના જણાવ્યા અનુસાર, દાયકાઓ પહેલાં શ્રીલ પ્રભુપાદ સ્વામીએ ફ્રાન્સની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ ફ્રાન્સમાં ભારતીય આધ્યાત્મિક વિચારો સાથે જોડાણનું નવું અધ્યાય શરૂ થયું હતું. પીએમ મોદીએ યોગને પણ ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોનું મહત્વનું માધ્યમ ગણાવ્યું. તેમણે કહ્યું કે યોગ હવે બંને દેશોના લોકોને જોડતો એક સેતુ બની ગયો છે. ફ્રાન્સમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી દરમિયાન એફિલ ટાવર જેવા પ્રસિદ્ધ સ્થળોએ યોજાતા યોગ કાર્યક્રમો તેની લોકપ્રિયતા દર્શાવે છે.
તેમણે કહ્યું કે પેરિસમાં બનેલું સ્વામિનારાયણ મંદિર આ સાંસ્કૃતિક જોડાણમાં વધુ એક નવું પરિમાણ ઉમેરશે. મંદિર માત્ર પૂજા માટેનું સ્થળ નહીં રહે, પરંતુ સેવા અને સામાજિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર પણ બની શકે છે. પીએમ મોદીએ જણાવ્યું કે સ્વામિનારાયણ મંદિરો સામાન્ય રીતે ભક્તિ સાથે સેવાને પણ મહત્વ આપે છે. તેમને માહિતી આપવામાં આવી છે કે પેરિસનું આ મંદિર પણ વિવિધ સેવા પ્રવૃત્તિઓ માટે કેન્દ્ર બની શકે છે. આ પ્રવૃત્તિઓના માધ્યમથી ભારતીય સંસ્કૃતિ અને માનવ મૂલ્યોને ફ્રાન્સના લોકો સુધી પહોંચાડવામાં મદદ મળી શકે છે.
તેમણે કહ્યું કે BAPS દ્વારા દુનિયાના અલગ-અલગ દેશોમાં બનાવવામાં આવેલા મંદિરો માત્ર ધાર્મિક આસ્થાના કેન્દ્ર નથી રહ્યા, પરંતુ ભારતીય સંસ્કૃતિ, પરંપરા, માનવ મૂલ્યો અને સેવાની ભાવનાના પ્રચારનું માધ્યમ પણ બન્યા છે. પેરિસમાં બનેલું આ મંદિર પણ ફ્રાન્સના વિવિધતાભર્યા સમાજમાં ભારતીય સંસ્કૃતિનો વધુ એક રંગ ઉમેરશે. સાથે જ ભારત અને ફ્રાન્સ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે.
ટિપ્પણીઓ
ટિપ્પણીઓ લોડ થઈ રહી છે...