पोस्ट किया गया १९ ઑક્ટોબર, २०२६ | દેવેન્દ્ર પટેલ | ગુજરાત

Gujarat Power Crisis: ગુજરાત ‘પાવર સરપ્લસ’ રાજ્ય ગણાવી મોટી મોટી જાહેરાતો કરવામાં આવી હતી. હવે જ્યારે વીજ સંકટ સર્જાયું છે, ત્યારે સરકારના વીજ આયોજન સામે સવાલ ઉઠ્યા છે. એક તરફ સરકારી વીજ ઉત્પાદનમાં ઘટાડો થાય છે, બીજી તરફ ખાનગી વીજ કંપનીઓ પાસેથી મોંઘી વીજળી ખરીદવામાં આવે છે. અંતે મોંઘી વીજ વ્યવસ્થાનો બોજ જનતાએ સહન કરવો પડે છે. જો ગુજરાતમાં પૂરતી વીજ ઉત્પાદન ક્ષમતા ઉપલબ્ધ છે, તો વારંવાર વધારાની વીજળી ખરીદવાની જરૂર કેમ ઊભી થાય છે? તે સવાલ ઉઠ્યો છે.
Advertisement
વીજ વપરાશમાં 1160 મિલિયન યુનિટનો વધારો થયો
વિધાનસભામાં રજૂ થયેલી માહિતીના આધારે ઉપલબ્ધ આંકડાઓ મુજબ, વર્ષ 2024માં અદાણી પાવર પાસેથી 15,492 મિલિયન યુનિટ વીજળી ખરીદ માટે 8095 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, જ્યારે વર્ષ 2025ના આંકડા મુજબ 13,223 મિલિયન યુનિટ વીજળી માટે 7300 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આમ, આ બે વર્ષમાં કુલ 28,715 મિલિયન યુનિટ વીજળીની ખરીદી પાછળ 15,395 કરોડ રૂપિયા ખર્ચ દર્શાવવામાં આવ્યો છે.
વર્ષ 2024-25 દરમિયાન 11,777 મિલિયન યુનિટ વીજળીની ખરીદી, 1322 કરોડ રૂપિયાના ફિક્સ્ડ ચાર્જ અને 3.77 પ્રતિ યુનિટના સરેરાશ વેરીએબલ ખર્ચનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ફિક્સ્ડ અને વેરીએબલ ચાર્જ અલગ પ્રકારના ખર્ચ હોવાથી, સમગ્ર નાણાકીય ચિત્ર સમજવા માટે કરારની શરતો, સંબંધિત સમયગાળાઓ અને કુલ ચૂકવણીની વિગતો જાહેર થવી જોઈએ.
બે વર્ષમાં કુલ 28,715 મિલિયન યુનિટ વીજળીની ખરીદી પાછળ 15,395 કરોડ રૂપિયાનો ખર્ચ થયો
ગુજરાતમાં વીજ વપરાશ વર્ષ 2024માં 1,26,698 મિલિયન યુનિટથી વધીને વર્ષ 2025માં 1,28,128 મિલિયન યુનિટ થયો હતો. બીજી તરફ, સરકારી વીજ કંપનીઓનું ઉત્પાદન 1,21,776 મિલિયન યુનિટથી ઘટીને 1,19,498 મિલિયન યુનિટ થયું હતું. એટલે કે, દર્શાવેલા આંકડાઓ મુજબ વીજ વપરાશમાં 1160 મિલિયન યુનિટનો વધારો થયો, જ્યારે સરકારી વીજ ઉત્પાદનમાં 2280 મિલિયન યુનિટનો ઘટાડો નોંધાયો હતો.
વીજ માંગમાં વધારો થવાનો અંદાજ સરકારને અગાઉથી હોવો જોઈએ. ઉનાળાની ગરમી, ખેતી માટેની વીજ જરૂરિયાત, ઔદ્યોગિક ઉત્પાદન અને ઘરેલુ વપરાશ કોઈ અણધારી ઘટના નથી. તેમ છતાં સરકારી વીજ ઉત્પાદનમાં ઘટાડો થાય અને ખાનગી ખરીદી પર આધાર વધે, તો સરકારના આગોતરા આયોજન સામે સવાલો ઊભા થાય તે સ્વાભાવિક છે. સરકારે દરેક સરકારી વીજ મથકનું પ્લાન્ટવાર ઉત્પાદન, સ્થાપિત ક્ષમતા, ક્ષમતાનો વાસ્તવિક ઉપયોગ, જાળવણીને કારણે બંધ રહેલા સમયગાળા, ઈંધણની ઉપલબ્ધતા અને ઉત્પાદન ઘટવાના કારણો જાહેર કરવા જોઈએ. સાથે જ સરકારી વીજ ઉત્પાદનની સરેરાશ કિંમત અને ખાનગી કંપનીઓ પાસેથી ખરીદાતી વીજળીના દરની તુલનાત્મક વિગતો પણ રજૂ કરવી જોઈએ.
રાજ્ય સરકારે ઓક્ટોબર માટે 2999 મેગાવોટ, નવેમ્બર માટે 1740 મેગાવોટ અને ડિસેમ્બર માટે 1335 મેગાવોટના ટૂંકા ગાળાના વીજ કરારો અંગે જાહેરાત કરી હતી. આવી ખરીદીની વ્યવસ્થામાં માત્ર કેટલા મેગાવોટ વીજળી મેળવવામાં આવશે તેની જાહેરાત પૂરતી નથી. કઈ કંપની પાસેથી વીજળી ખરીદવામાં આવશે, પ્રતિ યુનિટ દર કેટલો હશે, કરારનો સમયગાળો કેટલો છે, કુલ નાણાકીય જવાબદારી કેટલી છે અને અન્ય ઉપલબ્ધ વીજ સ્રોતો સાથે દરોની સરખામણી કરવામાં આવી છે કે નહીં આ તમામ વિગતો જનતા સમક્ષ મૂકવી જોઈએ તેવી કોંગ્રેસે માંગ કરી
टिप्पणियाँ
टिप्पणियाँ लोड हो रही हैं...