પ્રકાશિત ૨૭ જુલાઈ, ૨૦૨૬ | પ્રિયંકા ત્રિવેદી | સુરત

દક્ષિણ ગુજરાત અને દમણના દરિયાઈ વિસ્તારમાં શુક્રવારે સંભવિત વિમાની કટોકટીના સંકેતો મળતાં સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભારે દોડધામ મચી ગઈ હતી. અઝરબૈજાનના એક વિમાનમાંથી ઈમરજન્સી ડિસ્ટ્રેસ સિગ્નલ મળતાં એરપોર્ટ સત્તાવાળાઓએ તાત્કાલિક ઈમરજન્સી પ્રોટોકોલ અમલમાં મૂક્યો અને તમામ સુરક્ષા તથા બચાવ એજન્સીઓને હાઈ એલર્ટ પર મૂકી દીધી. મળતી માહિતી મુજબ, સુરત એર ટ્રાફિક કંટ્રોલ (ATC) અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ને ગ્લોબલ સેટેલાઇટ રેસ્ક્યૂ સિસ્ટમ COSPAS-SARSAT મારફતે ઈમરજન્સી એલર્ટ પ્રાપ્ત થયું હતું. આ એલર્ટ અઝરબૈજાનમાં વિમાનના Emergency Locator Transmitter (ELT) દ્વારા મોકલાયું હતું. સિગ્નલનું લોકેશન દમણ નજીકના દરિયાઈ વિસ્તારમાં હોવાનું સામે આવતાં તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું.
ડિસ્ટ્રેસ પોઝિશન અપડેટ મળ્યા બાદ સુરત એરપોર્ટ પર Airport Emergency Plan (AEP) અને Standard Operating Procedure (SOP) તાત્કાલિક અમલમાં મૂકવામાં આવ્યા હતા. CISF, એરપોર્ટ ફાયર એન્ડ રેસ્ક્યુ ટીમ, મેડિકલ ઈમરજન્સી સ્ટાફ, એર ટ્રાફિક કંટ્રોલ અને અન્ય તમામ સંબંધિત વિભાગોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર અને અન્ય જરૂરી સાધનોને પણ સંપૂર્ણ તૈયાર સ્થિતિમાં રાખવામાં આવ્યા હતા, જેથી જરૂર પડ્યે તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.
આ દરમિયાન દમણ નજીકના દરિયાઈ વિસ્તાર પર કોસ્ટ ગાર્ડ અને અન્ય સંરક્ષણ એજન્સીઓ સાથે સતત સંકલન રાખીને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી હતી. અધિકારીઓએ જણાવ્યું કે મળેલા એલર્ટની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દરેક સંભવિત પરિસ્થિતિ માટે તૈયારી કરવામાં આવી હતી. જોકે, આ સમગ્ર હાઈ એલર્ટ દરમિયાન સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન પર કોઈ અસર થઈ નહોતી. તમામ ફ્લાઇટ્સ તેમના નિર્ધારિત સમય મુજબ ચાલુ રહી હતી અને મુસાફરોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નહોતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, એલર્ટ મળ્યા બાદ દેશના વિવિધ એરપોર્ટ્સ અને સંબંધિત એજન્સીઓ સાથે પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે લાંબા સમય સુધી તપાસ છતાં આ વિમાન ભારતના કોઈ પણ એરપોર્ટ પર લેન્ડ થયું હોવાની માહિતી મળી નથી. પ્રાથમિક અંદાજ મુજબ વિમાન પરત ફરી ગયું હોઈ શકે અથવા ભારતની નજીક આવેલા અન્ય કોઈ દેશમાં ઉતર્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર ઘટનાને લઈને સંબંધિત એજન્સીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સત્તાવાર રીતે કોઈ દુર્ઘટનાની પુષ્ટિ થઈ નથી અને તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની સ્પષ્ટ માહિતી સામે આવશે.
ટિપ્પણીઓ
ટિપ્પણીઓ લોડ થઈ રહી છે...