પ્રકાશિત ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ | નિધી પટેલ | ગુજરાત, દિલ્હી

રેકેટમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે જાણવા મોબાઈલ, CDR અને બેન્ક વ્યવહારોની તપાસ શરૂ
વડોદરા, તા.12
માંજલપુર પોલીસે STRIPCHAT એપ્લિકેશન મારફતે ઓનલાઈન ગ્રાહકો સાથે યુવતીઓના કથિત ન્યૂડ વીડિયો કોલ કરાવવાના રેકેટનો પર્દાફાશ કરી એક યુવકની ધરપકડ કરી છે. આરોપી અગાઉ કોલ સેન્ટરમાં નોકરી કરતો હતો અને નોકરી છોડ્યા બાદ પ્રકૃતિ ફ્લેટમાં રહેતા યુવતીઓને બોલાવી આ પ્રવૃત્તિ કરાવતો હોવાની પોલીસ તપાસમાં હકીકત સામે આવી છે. પોલીસે દરોડા દરમિયાન ત્રણ લેપટોપ, બે ડેસ્ક કેમેરા, મોબાઈલ અને આઈફોન સહિત રૂ.27 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
માંજલપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે દરબાર ચોકડી નજીક આવેલા પ્રકૃતિ ફ્લેટના ત્રીજા માળે મનીષ કનુ પઢિયાર નામનો શખ્સ બહારથી યુવતીઓને બોલાવી STRIPCHAT એપ્લિકેશન મારફતે ઓનલાઈન ગ્રાહકો સાથે ન્યૂડ વીડિયો કોલિંગ કરાવે છે.
બાતમીના આધારે પોલીસે પ્રકૃતિ ફ્લેટના એફ/૩૦૪ ખાતે દરોડો પાડ્યો હતો. પોલીસે દરવાજો ખખડાવતા મનીષ કનુ પઢિયાર હાજર મળી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન ફ્લેટમાં યુવતીઓને બોલાવી STRIPCHAT એપ્લિકેશન પર ઓનલાઈન એકાઉન્ટ બનાવી ગ્રાહકો સાથે વીડિયો કોલ કરાવવામાં આવતા હોવાની વિગતો સામે આવી હતી.
આ મામલે માંજલપુર પોલીસે મનીષ કનુ પઢિયાર વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઓનલાઈન એપ્લિકેશન મારફતે ગ્રાહકો દ્વારા કોઈનથી પેમેન્ટ કરવામાં આવતું હતું અને આ રકમ યુવતીઓના બેન્ક ખાતામાં જમા થતી હતી. ત્યારબાદ યુવતીઓ પાસેથી મળતી રકમમાંથી આરોપી કમિશન મેળવતો હોવાની વિગતો પોલીસને મળી છે. આરોપીએ યુવતીઓ પાસેથી કમિશન લેતો હોવાની કબૂલાત કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.
પોલીસે ઓનલાઈન પેમેન્ટના વ્યવહારો અને અન્ય નાણાકીય વિગતો મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે.
કોલ સેન્ટરની નોકરી છોડ્યા બાદ આરોપી મનીષ પઢિયારે પ્રકૃતિ એપાર્ટમેન્ટમાં રૂ.11 લાખમાં ફ્લેટ ખરીદી ત્યાંથી આ પ્રવૃત્તિ શરૂ કરી હોવાની માહિતી પોલીસ તપાસમાં સામે આવી છે.
આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે જાણવા પોલીસે આરોપીનો મોબાઈલ ફોન કબજે કરી તપાસ શરૂ કરી છે. તેમજ કેટલા ગ્રાહકો સાથે આ પ્રકારના વ્યવહારો થયા અને કેટલા રૂપિયાની લેવડદેવડ થઈ છે તેની માહિતી મેળવવા CDR તથા બેન્ક એકાઉન્ટની વિગતો મેળવવામાં આવી રહી છે.
સમગ્ર રેકેટનું નેટવર્ક, તેમાં સંડોવાયેલા અન્ય લોકો અને નાણાકીય વ્યવહારોની કડીઓ મેળવવા માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ટિપ્પણીઓ
ટિપ્પણીઓ લોડ થઈ રહી છે...