પ્રકાશિત ૧૯ ઑક્ટોબર, ૨૦૨૬ | અંકિત ત્રિવેદી | નેશનલ, અમદાવાદ

Ahmedabad Street Light Tendor News : અમદાવાદમાં સ્ટ્રીટ લાઇટની કામગીરી અને જાળવણીના કોન્ટ્રાક્ટ માટેની ટેન્ડર પ્રક્રિયા પાંચ વખત નિષ્ફળ ગયા બાદ હવે છઠ્ઠા પ્રયાસની તૈયારી ચાલી રહી છે. આ સમગ્ર પ્રક્રિયામાં ટેન્ડરના અંદાજિત ખર્ચમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. શરૂઆતનાં ત્રણ ટેન્ડરનો અંદાજિત ખર્ચ 190.70 કરોડ રૂપિયા હતો, જે ચોથા અને પાંચમા પ્રયાસમાં કામગીરીનો વ્યાપ વધારાતાં આશરે 663.37 કરોડ રૂપિયા સુધી પહોંચાડી દેવામાં આવ્યો હતો. હવે SITC સંબંધિત કામગીરી અલગ કરીને નવું ટેન્ડર તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેનો અંદાજિત ખર્ચ 398.41 કરોડ રૂપિયા છે. એટલે કે, શરૂઆતના અંદાજની સરખામણીએ છઠ્ઠા પ્રયાસમાં પણ ટેન્ડરનો ખર્ચ 207.71 કરોડ રૂપિયા વધારે છે.
વારંવાર ટેન્ડર જાહેર કરાયા પરંતુ…
સ્ટ્રીટ લાઇટની કામગીરી અને જાળવણી માટે અગાઉ સિટાલૂમ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જાન્યુઆરી 2025માં કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ કંપનીએ કામગીરી ચાલુ રાખવાનો ઇનકાર કર્યો હતો. ત્યારથી કાયમી કોન્ટ્રાક્ટ ફાળવવા માટે વારંવાર ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં, પરંતુ પાંચ પ્રયાસ છતાં પ્રક્રિયા અંતિમ તબક્કે પહોંચી શકી નથી. દરમિયાન સબ કોન્ટ્રાક્ટરો મારફતે કામચલાઉ વ્યવસ્થા ચલાવવામાં આવી હતી. આ સમયગાળામાં સ્ટ્રીટ લાઇટ સંબંધિત ફરિયાદોનો આંકડો પણ મોટો રહ્યો છે. 15 ઓક્ટોબર સુધીમાં કોર્પોરેશનના ચોપડે 1.21 લાખ ફરિયાદો નોંધાઈ હતી.
પ્રથમ ત્રણ પ્રયાસમાં 190.70 કરોડનું ટેન્ડર, લાયકાતના વિવાદથી પ્રક્રિયા અટકી
સ્ટ્રીટ લાઇટની કામગીરી અને જાળવણી માટે શરૂઆતમાં ત્રણ વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં હતાં. ત્રણેય પ્રયાસનો અંદાજિત ખર્ચ 190.70 કરોડ રૂપિયા હતો. જોકે, બિડની સંખ્યા અને કંપનીઓની ટેકનિકલ લાયકાત અંગેના વિવાદને કારણે કોન્ટ્રાક્ટ ફાળવી શકાયો નહોતો.
પ્રથમ પ્રયાસે મુંબઈ-કોયમ્બતુરની કંપનીઓએ ટેન્ડર માટે અરજી કરી પણ…
પ્રથમ પ્રયાસમાં માત્ર એક જ ટેન્ડર મળ્યું હતું. ત્યારબાદ બીજા પ્રયાસમાં મુંબઈની ઇ-સ્માર્ટ એનર્જી (E Smart Energy) અને કોયમ્બતુરની સ્નેલ એનર્જી (Schnell Energy Equipments pvt. ltd.) એ બિડ કરી હતી. સ્ટ્રીટ લાઇટ વિભાગે સ્નેલ એનર્જીને ટેકનિકલ કારણોસર ગેરલાયક ઠેરવતાં ફરી એક જ કંપનીની બિડ બાકી રહી હતી. આથી મ્યુનિસિપલ કમિશનરે ફરી ટેન્ડર બહાર પાડવાની સૂચના આપી હતી.
ત્રીજા ટેન્ડર વખતે જોવા જેવી થઈ!
ત્રીજા પ્રયાસમાં બંને કંપનીઓએ ફરી બિડ કરી હતી, પરંતુ ટેકનિકલ લાયકાત અંગેના નિર્ણયમાં ફેરફાર થયો હતો. અગાઉ લાયક ઠરેલી ઇ-સ્માર્ટ એનર્જીને આ વખતે ગેરલાયક ઠેરવવામાં આવી હતી, જ્યારે અગાઉ ગેરલાયક ઠરેલી સ્નેલ એનર્જીને લાયક ગણવામાં આવી હતી. આ નિર્ણય સામે ઇ-સ્માર્ટ એનર્જીએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી. કંપનીએ સ્નેલ એનર્જીએ પોતાના અનુભવ અંગે ખોટી માહિતી રજૂ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો અને તેના સમર્થનમાં પુરાવા આપ્યા હતા.
ટિપ્પણીઓ
ટિપ્પણીઓ લોડ થઈ રહી છે...