પ્રકાશિત ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ | હિમાંશુ શુક્લ | વિશ્વ

Matthew Aaron VanDyke NIA Probe : રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા UAPA અંતર્ગત ગંભીર તપાસ ચાલી રહી હોવા છતાં, દિલ્હીની એક કોર્ટે અમેરિકી નાગરિક મેથ્યુ વૅનડાઇક અને 6 યુક્રેની નાગરિકોને 1 મહિના માટે પોતાના વતન જવાની મંજૂરી આપી દીધી હતી. કોર્ટના આદેશ અનુસાર, જરૂર પડ્યે આ તમામ વિદેશી નાગરિકોએ વિડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી NIAની તપાસમાં ફરજિયાતપણે હાજર રહેવું પડશે. સાથે જ તેઓએ પોતાનું સચોટ સરનામું, ફોન નંબર અને ઈમેઈલ આઈડી જેવી સંપર્ક વિગતો પણ તપાસ એજન્સીને સોંપવાની રહેશે. આ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વૅનડાઇક શુક્રવારે સાંજે અમેરિકા જવા માટે રવાના થઈ ગયો હતો.
ડ્રોન વૉરફેર તાલીમ અને કાનૂની પ્રક્રિયા
NIA દ્વારા કરવામાં આવેલા ગંભીર આરોપ મુજબ વૅનડાઇક અને અન્ય 6 યુક્રેની નાગરિકોએ મ્યાનમારના સ્થાનિક સશસ્ત્ર જૂથોના સભ્યોને આશરે 3 મહિના સુધી ડ્રોન વૉરફેર, ડ્રોન ઓપરેશન અને તેની એસેમ્બ્લીની વિશેષ તાલીમ પૂરી પાડી હતી. આ અગાઉ ઇમિગ્રેશન કાયદા હેઠળ દરેક આરોપી પર દંડ ફટકારીને તેમને તે કેસમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જો કે, UAPA અંતર્ગત મુખ્ય કેસની તપાસ હજુ પણ ચાલુ છે. કોર્ટે ચુકાદો આપતી વખતે ખાસ નોંધી હતી કે આ તબક્કે તપાસ આગળ વધારવા માટે આ તમામ આરોપીઓની ભારતમાં ભૌતિક ઉપસ્થિતિ અનિવાર્ય કે તાત્કાલિક જરૂરી નથી.
રાજકીય ઘમાસાણ અને કોંગ્રેસના સવાલો
વિદેશી નાગરિકોને ભારત છોડવાની છૂટ મળતાની સાથે જ દેશના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. વિપક્ષ કોંગ્રેસે આ મામલે સરકારની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ આ સમગ્ર નિર્ણય પાછળ વિદેશી દબાણ હોવાની શંકા વ્યક્ત કરી છે. પાર્ટીએ સવાલ કર્યો છે કે આ લોકોને ભારતના સત્તાવાર વિઝા કેવી રીતે મળ્યા હતા. તે કાયદેસરની પ્રક્રિયા વગર ભારતના રસ્તે મ્યાનમાર કેવી રીતે પ્રવેશ્યો હતો? આ ગંભીર સવાલો છતાં તપાસ એજન્સી કે સરકારી પક્ષ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
ટિપ્પણીઓ
ટિપ્પણીઓ લોડ થઈ રહી છે...