पोस्ट किया गया २८ જુલાઈ, २०२६ | રાકેશ ચૌધરી | એન્ટરટેઇનમેન્ટ, ગુજરાત, સુરત

એક ઝેન મઠમાં ઝેનગુરુ પાસે ઘણા બધા શિષ્યો જ્ઞાન મેળવી રહ્યા હતા. ઝેન મઠનો નિયમ હતો કે બધાએ પોતાનું કામ જાતે કરવું અને મઠના બધા કામ પણ શિષ્યો વચ્ચે વહેચવામાં આવ્યા હતા. એક નવો આવેલો શિષ્ય બહુ મહેનતુ હતો અને તે પોતાને સોંપેલા બધા કામ કરતો અને ઘણા કામ કોઈ ન ચીંધે તો પણ કરી દેતો.પણ બીજા શિષ્યો તેના કરેલા કામ પોતે કર્યા છે તેવું કહી દેતા એટલે નવા શિષ્યને બહુ ગુસ્સો આવતો પણ તે કઈ બોલી શકતો નહિ અને મનમાં ને મનમાં ધૂંધવાતો રહેતો.
આજે નવો યુવાન શિષ્ય પોતાના એક સાથી શિષ્ય પર ખૂબ ગુસ્સે હતો, કારણ કે તેણે મહેનતથી બગીચો સાફ કર્યો હતો પણ તે સાફ સફાઈનું શ્રેય બીજા શિષ્યએ પોતે લઈ લીધું હતું. અને ઝેન ગુરુએ જેણે કામ કર્યું ન હતું તે શિષ્યના વખાણ પણ કર્યા આથી નવા શિષ્યને બહુ વધુ ખરાબ લાગ્યું અને ગુસ્સામાં તે ગુરુ પાસે ફરિયાદ કરવા ગયો. ગુરુએ તેની બધી ફરિયાદ શાંતિથી સાંભળી અને કહ્યું, જા, એક કાગળ લે અને તારો બધો ગુસ્સો તેના પર લખી નાખ. જે પણ મનમાં આવે, કોઈ પણ સંકોચ વગર લખ. નવા શિષ્યએ કલાકો સુધી લખ્યું — પોતાનો રોષ, પોતાની પીડા, બધું જ કાગળ પર ઠાલવી દીધું.
અને તે કાગળ લઈને ગુરુ પાસે પાછો આવ્યો, ગુરુએ કહ્યું, હવે આ પત્ર બગીચામાં જઈને, વૃક્ષ નીચે, જમીનમાં દાટી દે. નવા શિષ્યએ એવું જ કર્યું. થોડા દિવસો પછી ગુરુએ પૂછ્યું, હવે કેવું લાગે છે? નવા શિષ્યએ કહ્યું, ગુસ્સો આવે છે પણ ઘણો ઓછો થઈ ગયો છે, ગુરુજી અને જયારે ગુસ્સો આવે છે હું કાગળ પર બધું લખી જમીનમાં દાટી દઉં છું. ઝેન ગુરુએ સમજાવ્યું, ગુસ્સાને મનમાં રાખીએ તો તે નુકસાન કરે છે, ભાર કાઢીએ તો તે સબંધ ખરાબ કરે છે પણ જો કાગળ પર લખીએ તો તે મનની બહાર નીકળે છે, અને જમીનમાં દાટવાથી તું તેને ભૂલી જવાનું શીખે છે — ન દબાવવાનું, ન બીજા પર ઠાલવવાનું. ગુસ્સાને દબાવવો કે બીજા પર ઠાલવવો, બંને નુકસાનકારક છે. તેને લખીને વ્યક્ત કરવો અને પછી છોડી દેવો એ જ સાચો માર્ગ છે તે ઝેન ગુરુએ સમજાવ્યું.
टिप्पणियाँ
टिप्पणियाँ लोड हो रही हैं...