Posted on 24 October 2026 | કિરણ પટેલ | ગુજરાત

Ahmedabad AMC Street Light Tender: અમદાવાદમાં સ્ટ્રીટલાઇટની કામગીરી અને જાળવણી માટે અંદાજે 400 કરોડ રૂપિયાનું સિંગલ ટેન્ડર કરવાની પ્રક્રિયાએ કોર્પોરેશનમાં વિવાદ ઊભો કર્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ધારાસભ્ય સહિતના હોદ્દેદારોએ સાત ઝોનમાં અલગ-અલગ ટેન્ડર કરવાની સૂચના આપી હોવા છતાં અધિકારીઓએ સેન્ટ્રલાઇઝ્ડ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હોવાનો આક્ષેપ થયો છે. આ મામલે હવે સત્તાધીશો આકરા પાણીએ આવ્યા છે.
સ્ટ્રીટ લાઈટના અધિકારીઓએ મનમાની કરી સિંગલ ટેન્ડર કરતા હોદ્દેદારો આકરા પાણીએ
ભવિષ્યમાં ટેન્ડર બહાર પાડતાં પહેલાં તેની વિગતો સંબંધિત કમિટીમાં રજૂ કરીને ચર્ચા કર્યા બાદ જ આગળ વધવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. મહત્ત્વનું છે કે, ગુજરાત સમાચાર ડિજિટલના અગાઉના અહેવાલ કે, અલગ અલગ ઝોન મુજબ ટેન્ડર કરવા હોદ્દેદારોની સૂચના છે છતાંય અધિકારીઓએ મનમાની કરી સેન્ટ્રલાઈઝડ એક જ ટેન્ડર કરી દીધું છે. આ સિવાય, ટેન્ડર 190.70 કરોડ રૂપિયાથી 398.41 કરોડે પહોંચ્યું છે.
ઈ-ગવર્નન્સ, ઇલેક્ટ્રિકલ એન્ડ મટીરિયલ પ્રોગ્રામ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, 'સ્ટ્રીટલાઇટનું ટેન્ડર ઝોન મુજબ કરવાની સૂચના હોવા છતાં આખા અમદાવાદનું સેન્ટ્રલાઈઝ ટેન્ડર તૈયાર કરવામાં આવ્યું છે. આ બાબતની જાણકારી તેમને મીડિયા મારફતે મળી હતી. કેટલીક વખત કામની દરખાસ્તો પૂરતો અભ્યાસ બાકી હોવાને કારણે કમિટીમાંથી પરત મોકલવી પડે છે. જો ટેન્ડર બહાર પાડતાં પહેલાં જ તેની વિગતો કમિટી સમક્ષ રજૂ કરવામાં આવે તો આવી સ્થિતિ ટાળી શકાય. આથી શુક્રવારે(23 ઓક્ટોબર) મળેલી કમિટીની બેઠકમાં અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે, ટેન્ડર કરતાં પહેલાં તેની ચર્ચા કમિટીમાં કરવામાં આવે અને ત્યારબાદ જ પ્રક્રિયા આગળ ધપાવવામાં આવે.'
કમિશનરની બેઠકમાં ચાર વખત સૂચના અપાઈ હોવાનો દાવો
આ મામલે એક હોદ્દેદારે નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, કમિશનરની સંકલન બેઠકમાં પણ ઝોનવાઇઝ ટેન્ડર કરવાની સૂચના એક-બે નહીં, પરંતુ ચાર વખત આપવામાં આવી હતી. તેમ છતાં અધિકારીઓએ સૂચનાને અવગણીને એક જ ટેન્ડર કરવાની પ્રક્રિયા હાથ ધરી હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. આ મામલે યોગ્ય ફોરમમાં ફરિયાદ કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
મહત્ત્વનું છે કે, એક ધારાસભ્યએ આ મુદ્દે રાજ્યકક્ષાના શહેરી વિકાસ મંત્રીને પત્ર લખીને રજૂઆત કરી હતી. પત્રની નકલ શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પણ મોકલવામાં આવી હતી.
સ્ટ્રીટ લાઇટનું ટેન્ડર 190.70 કરોડથી વધીને 398.41 કરોડે પહોંચ્યું
અમદાવાદમાં સ્ટ્રીટ લાઇટની કામગીરી અને જાળવણીના કોન્ટ્રાક્ટ માટેની ટેન્ડર પ્રક્રિયા પાંચ વખત નિષ્ફળ ગયા બાદ હવે છઠ્ઠા પ્રયાસની તૈયારી ચાલી રહી છે. આ સમગ્ર પ્રક્રિયામાં ટેન્ડરના અંદાજિત ખર્ચમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. શરૂઆતના ત્રણ ટેન્ડરનો અંદાજિત ખર્ચ 190.70 કરોડ રૂપિયા હતો, જે ચોથા અને પાંચમા પ્રયાસમાં કામગીરીનો વ્યાપ વધારાતાં આશરે 663.37 કરોડ રૂપિયા સુધી પહોંચાડી દેવામાં આવ્યો હતો. હવે SITC સંબંધિત કામગીરી અલગ કરીને નવું ટેન્ડર તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેનો અંદાજિત ખર્ચ 398.41 કરોડ રૂપિયા છે. એટલે કે, શરૂઆતના અંદાજની સરખામણીએ છઠ્ઠા પ્રયાસમાં પણ ટેન્ડરનો ખર્ચ 207.71 કરોડ રૂપિયા વધારે છે.
સ્ટ્રીટ લાઇટની 15 ઓક્ટોબર 2026 સુધીની ફરિયાદો
ઝોન | ફરિયાદો |
મધ્ય | 15871 |
પૂર્વ | 15430 |
ઉત્તર | 17523 |
ઉત્તર પશ્ચિમ | 12430 |
દક્ષિણ પશ્ચિમ | 10421 |
પશ્ચિમ | 23751 |
કુલ | 121067 |
Comments
Loading comments...